અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. શહેરમાં વેજલપુર એપીએમસીથી મોટેરા અને થલતેજથી વસ્ત્રાલ સુધી દોડતી મેટ્રો હવે 15ને બદલે 12 મિનિટના અંતરે મળશે. હાલમાં મેટ્રો સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલે છે. હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સંચાલિત મેટ્રો ટ્રેન, પિક અવર્સમાં 18 મિનિટ અને નોન પિક અવર્સ દરમિયાન 15 મિનિટના અંતરે ઉપલબ્ધ થાય છે. મેટ્રો ટ્રેન 15ને બદલે 12 મિનિટના અંતરે દોડાવવાને કારણે, ટ્રીપની સંખ્યામાં 35 ટકાનો વધારો થશે.
અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને ચાર મહિના થવા આવ્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. એમાંય ખાસ કરીને અત્યારે IPL ચાલી રહી છે ત્યારે અમદાવાદીઓ IPL અને મેટ્રોની એકસાથે મજા માની રહ્યાં છે.
મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારાતા લોકોને મોટી રાહત મળશે. આ અગાઉ અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની માંગણી કરવામાં આવી હતી. જેથી મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.