અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોલેજોની માહિતી મેળવવા માટે પ્રિ-રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા ગાળાથી ડીન ચૂંટણી સ્થગિત કરવામાં આવેલ નથી, જેથી ડીન ચૂંટણી કરવામાં આવે અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અને હોસ્ટેલમાં પીવાના તથા અન્ય પાણીની ભારે તંગી વગેરે પ્રશ્નોને લઈને ABVP દ્વારા ઉપરોક્ત ત્રણ માંગો ત્રણ દિવસમાં નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.આ અંગે ABVPએ કોલેજ અને યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ધો.10 તથા 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઇ ચુકી છે. હવે વિદ્યાર્થીઓ પોતાના આગામી અભ્યાસ માટે વિવિધ કોલેજોની માહિતી મેળવવાની શરૂઆત કરે છે. અમદાવાદમાં આવેલ સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ થવાના કારણે વધારે મહત્તમ લાભ ખાનગી યુનિવર્સિટીને થાય છે અને જેને કારણે વિદ્યાર્થીઓ ગુણવત્તા યુક્ત શિક્ષણથી વંચિત રહે છે.ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2023માં ધોરણ 12 પૂર્ણ થયા પછી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતની નામાંકીત એવી સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષણનો લાભ લઈ શકે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરળ – સુલભ – સુવ્યવસ્થિત પ્રવેશ પ્રક્રિયા જાહેર કરે તથા તેના માટે પ્રિ-રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તે માટે ABVP સ્પષ્ટ માંગ કરે છે.
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા ગાળાથી ડીનની ચૂંટણી સ્થગિત રાખવામાં આવેલ છે, યુનિવર્સિટી પ્રશાસન ચલાવવામાં ડીનનું મહત્વ ખુબજ છે તેમ છતાં આ પ્રક્રિયાને લઇને પ્રશાસન નિરસ તથા નિષ્ક્રિય છે, જેનો ABVP સખત શબ્દોમાં વિરોધ કરે છે તથા ડીનની ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવે તેવી ABVP માંગ કરે છે.
અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પીવાના તથા અન્ય પાણીની ભારે તંગી સર્જાઈ છે. પાણીની તંગીને લઇને અનેક રજૂઆત કરવા છતાં કોઇ નિવારણ ના આવતા ABVPના કાર્યકરોએ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો. કોલેજના પ્રિન્સિપાલને આ અંગે રજૂઆત કરી હતી. 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. 24 કલાકમાં પાણી ન મળે તો ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જો ABVPની ત્રણ માંગો 3 દિવસની અંદર નહિ સ્વીકારાય તો ABVP ઉગ્ર આંદોલન કરશે તેના માટે સંપૂર્ણ જવાબદાર યુનિવર્સિટી પ્રશાશન રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી.