અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર સામે પ્રોપર્ટી ટેક્સનું બિલ, ડિમાન્ડ નોટિસ, ચેતવણી નોટિસ, જીપીએમસી એક્ટ હેઠળ મિલકત હરાજી સહિતના પગલાં ભરવામાં આવતા હોવા છતાં કેટલાક નાગરિકો ટેક્સ ભરતા નથી. હવે આવા નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે AMCના રેવન્યુ વિભાગે બોજો નાખવાનો નવો કીમિયો શરૂ કર્યો છે. આવા લોકોની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા સ્વરૂપે મિલકત કચેરીના રેકોર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ બોજો તરીકે નોંધવામાં આવશે. જેના કારણે પ્રોપર્ટી ટેક્સની રકમ, વ્યાજ તથા અન્ય પેનલ્ટી સહિત ભરપાઈ ન થાય ત્યાં સુધી કલેકટરના રેવન્યુ રેકોડમાં જે તે મિલકતમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં.
આ કામગીરી અંતર્ગત પ્રાયોગિક ધોરણે દક્ષિણ પશ્ચિમઝોનમાં 0748 શિવરંજની સોસાયટી વોર્ડમાં સ્થિત બંધન પાર્ટી પ્લોટ, જીવાભાઈ ખોડાભાઈની મિલકત છે. સદર મિલકતનો ટેનામેન્ટ નં:0748-03- 1935-0001V છે. આ મિલકતની આજ દિન સુધીની પ્રોપર્ટી ટેક્ષની બાકી રકમ રૂ.૧૭,૩૮,૪૬૪ /- થાય છે. પરંતુ સદર મિલકતધારક દ્વારા હજુ સુધી ટેક્ષ ભરપાઇ કરવામાં આવ્યો નથી. તેથી ઝોનલ ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બોજો નોંધાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને તેને આધારે સદર મિલકત પર રેવન્યૂ રેકર્ડમાં બોજો (કાચી નોંધ )દાખલ કરવામાં આવ્યો છે. સદર બોજો નોંધાયાના 30થી 60 દિવસની અંદર કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહે છે. જો આ સમયગાળા દરમિયાન સદર મિલકતનો ટેક્ષ ભરી દેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા NOC ઇસ્યૂ કરવામાં આવશે અને નહીં ભરવામાં આવે તો રેવન્યૂ રેકર્ડમાં પાકી નોંધ કરવામાં આવશે.
આમ, હવેથી પ્રોપર્ટી ટેક્ષની મોટી રકમ બાકી હોય અને જેમણે પ્રોપર્ટી ટેક્ષ ભર્યો નથી, તેમની મિલકત પર કલેક્ટરના રેવન્યૂ રેકર્ડમાં બોજો દાખલ કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્ષની ઓછી રકમ બાકી હોય તેવા નાના કરદાતાઓ પર સદર કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભવિષ્યમાં સંલગ્ન અધિકારી સાથે ચર્ચા કરી તેની યોગ્ય SOP બનાવવામાં આવશે અને દરેક ઝોનમાં ટેક્ષની મોટી રકમ બાકી હોય તેવા ડિફોલ્ટરની મિલકત પર બોજો નોંધવવામાં આવશે. આથી વધુ રકમ બાકી છે તેવા કરદાતાઓની મિલકત પર બોજો દાખલ જેવી કાર્યવાહી થી બચવા પોતાનો પ્રોપર્ટી ટેક્ષ ચૂક્વી દેવા અપીલ કરવામાં આવે છે.