અમદાવાદ : અમદાવાદમાં AMCના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બુધવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ અને લારીઓ વગેરે પર ચેકિંગ કરવામાં આવ્યું છે. ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણેનું લાઇસન્સ ન ધરાવતી સુભાષબ્રિજના સોપાન કોમ્પ્લેક્સમાં આવેલી છાસવાલા, અસારવાની ન્યુ પ્રભુ નામની રેસ્ટોરન્ટ અને થલતેજની હરિઓમ સેન્ટર નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. પાણીપુરી, દાબેલી, વડાપાવ સહિતની લારીઓ અને ફાસ્ટફૂડની દુકાનો પરથી 761 બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ આજે ચેકિંગ દરમિયાન સુભાષબ્રિજના સોપાન કોમ્પ્લેક્સમાં આવેલી છાસવાલા, અસારવાની ન્યુ પ્રભુ નામની રેસ્ટોરન્ટ અને થલતેજની હરિઓમ સેન્ટર નામની રેસ્ટોરન્ટ પાસે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે લાયસન્સ ન હોવાથી સીલ કરવામાં આવી હતી.
બુધવારે શહેરના પૂર્વ વિસ્તારમાં મણીનગર, અસારવા, થલતેજ અને સુભાષબ્રિજ, વાડજ, સહિતના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પાણીપુરી દાબેલી વડાપાવ સહિતની ફાસ્ટફૂડની લારીઓ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા બળેલું તેલ, બગડેલા શાકભાજી, ફ્રુટ પાણીપુરીનો માવો વગેરે મળી 761 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવતાં તેનો નાશ કરાયો હતો. જ્યારે ચટણી, સોસ, સિકંજી, લીંબુપાણી વગેરે પણ બિન આરોગ્યપ્રદ મળી આવતા 934 લીટર જેટલો તેનો પણ નાશ કરાયો હતો. દરરોજ અલગ અલગ બે થી ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનો શાક માર્કેટ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.