અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં લગોલગ ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાનમાં મળેલા નવ અંગોએ નવ જરૂરિયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ નક્કી જ કરી લીધું છે કે, ગુજરાતમાં કોઈપણ જીવંત વ્યક્તિને અંગોનું દાન કરવું પડે નહીં અને બ્રેઇન્ડેડ થતા દર્દીના પરિવારજનોના અંગદાનના નિર્ણયથી કોઈકને નવું જીવન મળી શકે તેવા શુભ આશય સાથે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ રાઉન્ડ ધ ક્લોક અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો છે. જેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલના તબીબો દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અંગદાનમાં સફળતા મેળવીને નવ લોકોને નવજીવન આપ્યું છે. તબીબો પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવીને કોઈક જરૂરિયાતમંદને નવજીવન બક્ષી શકે છે તેનું આ આદર્શ ઉદાહરણ છે.
તમને જણાવી દઇએ કે, ગઈકાલ તા.7 મે ના રોજ થયેલા 107 માં અંગદાનની વિગત જોઈએ તો, 25 વર્ષના મનોજભાઈ કે જેઓ મૂળ રાજકોટના નિવાસી હતા. તેઓને અકસ્માત થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જેના પરિણામે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે દાખલ કરાયા હતા.તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. આ દરમિયાન તબીબોને મનોજભાઇના બ્રેઇન્ડેડ થયાની જાણ થઇ. જેના કારણે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમે મનોજભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી. પરિવારજનોએ પણ આ સત્કાર્ય કરવા માટે સંમતિ દર્શાવી. જેના પરિણામ સ્વરૂપ મનોજભાઈના અંગદાન થકી બે કિડની અનેક લીવરનું દાન મળ્યું. જેને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આમ મનોજભાઈ અંગદાન કરીને અમર થઈ ગયા. અને તેઓ બીજા ત્રણ વ્યક્તિઓને પણ કાર્યક્ષમ જીવન પ્રદાન કરતા ગયા.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે,પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી અમદાવાદમાં અંગદાનની સરવાણી વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ અને અંગદાતા પરિવારજનોનના સંયુક્ત પ્રયાસોથી નવ લોકોને નવજીવન આપવામાં સફળતા મળી છે. આ યજ્ઞ છે અંગદાનનો, આ યજ્ઞ છે મદદ અને સેવાભાવનાનો, અમારા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધીમાં 107 અમર અંગદાતાઓના અંગદાનથી 322 જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે.હોસ્પિટલના તબીબો દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અંગદાનમાં સફળતા મેળવીને નવ લોકોને નવજીવન આપ્યું છે.