અમદાવાદ : સમગ્ર અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વેપારીઓના ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં SG હાઇવે પર આવેલા ‘અપના અડ્ડા ધ કાફે’ કીટલી નામની દુકાનની બહાર જાહેર રોડ ઉપર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા દુકાનને સીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પૂર્વ ઝોન વિસ્તારમાં AMC મિલકત ઉપર અન-અધિકૃત પ્રકારે જાહેરાત કરવા બદલ તેમજ રોડ ઉપર બિલ્ડીંગ મટીરીયલ રાખવા બદલ તથા જાહેરાત કરવા બદલ કુલ 8000 રુપિયા દંડ વસુલ કર્યો છે. ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી કુલ- 4 લારી, લોખંડનું કાઉન્ટર-1 જેવો પરચુરણ માલસામાન જપ્ત કર્યો છે. 71 વાહનોને લોક મારી 27,200 રુપિયા વહીવટી ચાર્જ પેટે વસુલ કર્યો છે. આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ/બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.