અમદાવાદ: શું તમે આગામી 28 મેના રોજ રમાનાર IPL 2023ની મજા માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના છો? તો તમે ટ્રાફિકમાં ન અટવાઈ જાઓ તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે ખાસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે. આપના માટે એ જાણવું જરૂરી છે કે જ્યારે અમદાવાદમાં મેચ હશે ત્યારે મેચ દરમિયાન કેટલાક રોડ બંધ રહેશે. ચાલો, જોઈએ કેવી છે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા.
ઇન્ડીયન પ્રીમિયર લીગની સેમિફાનલ અને ફાઈનલ અમદાવાદમાં રમાવાની છે. જેમાં એક મેચ શુક્રવાર અને એક 28મી મેના રોજ રવિવારે યોજાશે. એક રિપોર્ટ મુજબ ટ્રાફિક વિભાગ વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈ જણાવે છે કે, ફાઈનલ અને સેમિફાઇનલ બંને મેચ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને લઇ 26મીએ બપોરે 2:00 વાગ્યાથી 27મી મેના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
તેવી જ રીતે 28મી મેના રોજ ફાઈનલ મેચ માટે પણ બપોરે 2 વાગ્યાથી 29 મીના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોએ અવરજવર માટે તપોવન સર્કલથી ONGC થઈ વિસતથી પાવર હાઉસ સુધીનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકશે. તેમજ કૃપા રેસીડેન્સી થી ભાટ એપોલો સર્કલ વાળો વૈકલ્પિક રૂટ પર પણ અવર જવર કરી શકશે.
આ ઉપરાંત જે લોકો મેટ્રો, BRTS અને AMTSથી આવશે, તેઓ માટે પણ સમયની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. તેમજ પાર્કિંગ વ્યવસ્થા માટે સ્ટેડિયમ આસપાસ 17 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઇ છે જે બુક માય પાર્કિંગથી બુક કરાવી શકાશે.