અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે જ્યારે આઇપીએલની મેચ રમાઇ છે ત્યારે ત્યારે ફોન ચોરાયાની અંસખ્ય ઘટનાઓ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મોબાઇલની ચોરી કરતી અનેક ગેંગ મેચ વખતે સક્રિય થઇ ભીડનો લાભ લઇને ગેંગ મોબાઇલ ફોનની ચોરી કરીને રફુચક્કર થઇ જાય છે. રવિવારે અને સોમવારે રમાયેલ મેચ દરમ્યાન મેઘરાજાએ તો મજા બગાડી હતી પણ સાથે સાથે કેટલાક તસ્કરોએ પણ ક્રિકેટ રસિયાની મજા બગાડી હતી. તસ્કરો દર્શક બનીને મેચ જોવા માટે આવ્યા હતા અને લોકોના મોબાઇલ ફોનની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. એક રિપોર્ટ મુજબ 50થી વધુ લોકોના મોબાઇલ ફોન ચોરાયા છે, જેમાં પાંચ ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે અને સોમવારે 50થી વધુ લોકોના મોબાઇલ ફોનની ચોરી થઇ છે. જેમાં કુલ પાંચ ફરિયાદ હજુ સુધી નોંધાઇ છે. હજુ બીજા લોકો મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે. સ્ટેડિયમની અંદર તેમજ બહારથી સંખ્યાબંધ લોકોના મોબાઇલ ફોન ચોરાયા છે. મોબાઇલની ચોરી કરતી અનેક ગેંગ મેચ વખતે સક્રિય થઇ હતી. તક અને ભીડનો લાભ લઇને ગેંગ મોબાઇલ ફોનની ચોરી કરીને રફુચક્કર થઇ ગઈ હતી. મોબાઇલ ચોરને પકડવા માટે સ્થાનિક પોલીસ, એલસીબી, તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી છે.
એક લાખથી વધુ કેપેસિટી ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગઇ કાલે ક્રિકેટ રસિયાઓથી ખીચોખીચ ભરાઇ ગયું હતું. મેચ ચાલુ થવાના કલાકો પહેલાં અમદાવાદી સહિત ગુજરાતના વિવિધ ખૂણેથી ક્રિકેટ રસિયાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા.