અમદાવાદ : આજે વહેલી સવારે ઓઢવમાં 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોતોએ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, 3 વ્યાજખોર ત્રાસ આપતા હતા, જે અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવના ગોકુલનગરમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા સુબ્રોતો પાલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો. સુબ્રતોએ હિન્દીમાં લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તે ત્રણ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખાસ વાત છે કે શિક્ષકના મોટા ભાઈએ 5.50 લાખ યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસહિં ચૌહાણ પાસેથી વ્યાજે લીધા હતા. જેની સામે 14 લાખ વ્યાજ આપ્યું છતાં વ્યાજખોરો અવારનવાર પરિવારને હેરાન કરતા અને મોટાભાઈને ઘરની બહાર બોલાવીને મારતા હતા.
જેનાથી કંટાળીને મૃતક સુબ્રોતોના ભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેતા જીવ બચી ગયો હતો. આપઘાતના પ્રયાસ છતાં પોલીસ ફરિયાદ લેવા આવતી નહોતી અને માત્ર કાગળ પર લખાણ લખીને જતી રહી હતી. વ્યાજખોરો પણ કહેતા કે નિકોલના PI તેમના સંબંધી છે, એટલે તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય. ત્યારે વ્યાજખોરો અને પોલીસની કાર્યવાહીથી થાકેલા શિક્ષકે સવારમાં ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે વ્યાજખોરો સામે પૂરતા પુરાવા ન હોવાના કારણે તેઓ તેમની વિરુદ્ધ કાર્યવાહી નહોતા કરી શક્યા.