અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલા પરિમલ સુવિધા વિસ્તારમાં વાંદરાના ઝૂંડે આતંક મચાવ્યો છે. કેટલાક લોકોને લાફા મારી બચકાં ભરી લીધા છે. કળશ-3 ફ્લેટના વોચમેન પર વાંદરાએ હુમલો કરી કમરના ભાગે બચકું ભરી લીધું છે. જ્યારે હોસ્પિટલમાં આવેલા એક કિશોર અને એક વૃદ્ધને લાફા માર્યા છે. આ ઉપરાંત બોપલમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વાંદરાઓના બે ઝુંડે લોકોને હેરાન કરતાં વન વિભાગને જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પાલડી પરિમલ સુવિધા વિસ્તાર અને બોપલમાં લોકો વાંદરાઓના આંતકથી ત્રસ્ત થઇ ગયા છે. સુવિધા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વાંદરાએ નાના બાળકો સહિત 5 લોકો ઉપર હુમલો કર્યો હોવાની માહિતી છે. મોટા ભાગે ખોરાકની શોધમાં માનવ વસ્તી આવી ચડતા વાંદરાઓ હુમલો કરી દેતા હોય છે.લોકોમાં તંત્ર અને વનવિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પણ રોષ પણ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલાં શહેરના માણેકચોક અને મણિનગર વિસ્તારમાં વાંદરાઓએ આતંક મચાવ્યો હતો. અનેક લોકોને વાંદરાઓએ બચકાં ભરવા સાથે લાફા માર્યા હતા. કેટલાક દિવસ સુધી લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તોફાની વાંદરાને પકડી પાડ્યો હતો. મણિનગરમાં તો બેથી ત્રણ સોસાયટીમાં ધાબા પર સૂઈ રહેલા 5થી વધુ લોકોને વાંદરાએ બચકાં ભરી લીધા હતા.