અમદાવાદ : શહેરમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા ભુવા પડવાનું શરૂ થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં નાના મોટા 20 જેટલા ભુવા પડ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભુવા અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. ઓઢવમાં તો દસ દિવસ પહેલા રોડ બન્યો અને ભુવો પડતા લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં AMC ની કામગીરીને થર્ડ કલાસ ગણાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ એક દિવસ પહેલા શહેરના શિવરંજની ચાર રસ્તા અને કર્ણાવતી ક્લબની સામે ભુવા પડ્યા હતા. વ્યસ્ત રહેતા આ વિસ્તારોમાં ભુવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિવરંજની વિસ્તાર બીઆરટીએસ તેમજ વાહન ચાલકોથી સતત ધમધમતો હોય છે અને ચાર રસ્તાની વચોવચ ભુવો પડતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. કર્ણાવતી ક્લબની સામે ભૂવો પડતાં બેરિકેડ મુકવામાં આવ્યા હતા. ભારે અવર-જવર વાળા વિસ્તારમાં ભુવો પડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
થોડા સમય પહેલા 132 ફૂટ રિંગ રોડ પર વાળીનાથ ચોક પાસે મોટો ભુવો પડ્યો હતો. આ ઉપરાંત પૂર્વના મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પર એક મસમોટો ભૂવો પડ્યો છે. રસ્તા વચ્ચે જ મસમોટો ભૂવો પડવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ પહેલા ફતેવાડી વિસ્તારમાં પડેલા ભૂવાએ ભ્રષ્ટાચારને જાહેર કરી દીધો છે. ફતેહવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર ગરકાવ થઈ ગઈ હતી.આ અગાઉ રાણીપ વિસ્તારમાં પણ ભુવો પડ્યો હતો.
અહીં નવાઈ પમાડતી અને સૌથી ગંભીર વાત એ સામે આવી છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં જ 20 ભુવા પડ્યા છે. અને AMC દ્વારા આ તમામ ભુવાને કોર્ડન કરીને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. જ્યારે તેના સમારકામમાં એક-એક મહિનો કાઢવામાં આવે છે. જેના કારણે રોજ લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી સામે ફરી સવાલ ઉભા થયા છે. કારણ કે ચોમાસા પહેલા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. હજી આ કમોસમી વરસાદમાં સામે આવેલી ઘટના છે. પરંતુ ચોમાસામાં શું થશે એ સવાલ અત્યારથી જ લોકોના મોઢે ચર્ચાતો થઈ ગયો છે.