અમદાવાદ : અમદાવાદમાં કારચાલકો રીતસરના બેફામ બન્યા છે જેના કારણે શહેરમાં Hit and Run બન્યા છે. દરરોજે કોઈને કોઈ કારચાલક કોઈ ટુવ્હીલરવાળાને કે રસ્તા ચાલતા જનારને ઉડાવી દે છે. અમદાવાદમાં આવી જ હિટ એન્ડ રનની ઘટના ફરીથી સામે આવી છે. એસપી રિંગ રોડ પર દીકરી સાથે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને કારે ઉલાળ્યાં હતાં. એમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને લઈ કારચાલક ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં એક કાર મેટ્રો સ્ટેશન પાસે પૂરઝડપે મેટ્રોના પિલર સાથે અથડાઇ પલટી ખાઈ ગઈ હતી. એમાં 3 શખસ હતા, જેમનો બચાવ થયો હતો. આ બંને બનાવમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ રિંગ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે Hit and Run હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. તેમા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાળકી ગંભીર ઇજા પામી છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મહિલા અને તેની પુત્રી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. મહિલા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી અને બાળકીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. 108 તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા ગાડીના ચાલક અંગે તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં બીજી એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન નીચે ફુલ સ્પીડે આવી રહેલી કાર મેટ્રો સ્ટેશનના પિલર સાથે ધડાકાભેર અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં કારચાલક સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારની કેટલી સ્પીડ હતી, અંદર બેઠેલા લોકો દારૂ પીધેલા હતા કે નહીં એ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ મોડી રાતે બનેલી બે ઘટનાના કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
અગાઉ પણ આ જ રીતે અમદાવાદમાં બેફામ રીતે ગાડી ચલાવનારા કારચાલકે યુવકને અડફેટે લીધો હતો. નરોડામાં બનેલી આ ઘટનામાં યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે તેને આઇ-20 કાર ચાલકે હડફેટે લીધો હતો. Hit and Run આ યુવાનનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ.જ્યારે કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો.
અગાઉ શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે એક મહિલા અને છોકરાને અડફેટે લીધા હતા. પરિણામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂની બોટલ અને કેક મળી આવી હતી.
આ અગાઉ અમદાવાદના શાહપુર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.
આમ અમદાવાદમાં ફરીથી Hit and Run ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આમ બેફામ રીતે કાર ચલાવતા કારચાલકોને દંડવા માટે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ અકસ્માતો થતાં જ રહેશે.