અમદાવાદ : અમદાવાદના જગતપુર પાસે આવેલા રુપિયા રૂ.76.42 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી રહેલા જગતપુર રેલવે ઓવરબ્રિજની ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે જગતપુર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. એસ.જી.હાઈવેથી રાણીપ,ન્યૂ રાણીપ તથા ચાંદખેડા તરફ રોજ અંદાજે ૭૫ હજારથી વધુ લોકો માટે અવર-જવર કરવી સરળ બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે જગતપુર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. અમદાવાદીઓને તા. 20 જૂનથી આ નવા રેલવે ઓવરબ્રિજનો લહાવો મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઇન લોકેશન પરના કિમી 510/6 અને 510/7 પર સરખેજ-ગાંધીનગર હાઈવેથી ચેનપુર-ગોદરેજ ગાર્ડન સિટી તરફ જતા રેલવે ક્રોસિંગ નંબર છ એટલે કે જગતપુર રેલવે ક્રોસિંગ પર રૂ.76.42 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાયો છે. આ ઉપરાંત ગાહેડ દ્વારા બનાવાયેલા થલતેજની તાજ હોટેલ પાસેનો બગીચો અને ન્યુ રાણીપનો ગાર્ડન તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે.
તમને જણાવી દઈએ કે જગતપુર ઓવરબ્રિજ ન્યૂ રાણીપ અને રાણીપ વિસ્તારને એસ.જી.હાઈવે સુધી જોડતા જગતપુર રેલવે ક્રોસીંગ ઉપર પી.પી.પી. ધોરણે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષ-2021માં કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રિજ નિર્માણ માટે ખાનગી કંપની દ્વારા રકમ મોડી જમા કરાવવામાં આવતા કામગીરી પણ મોડી શરુ કરવામા આવી હતી.