અમદાવાદ : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કે જ્યાં હાલમાં જ રથયાત્રામાં કોમી એક્તાના દર્શન થયા હતા. ત્યાં જ શનિવારે મોડી રાત્રે બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ જમાલપુર ચાર રસ્તા પાસે શનિવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી ગઈ હતી. બંને જૂથ વચ્ચેના ઝઘડામાં સામસામે પથ્થરમારો થયો હતો અને એક જૂથના વાહનમાં આગચંપી કરવામાં આવતાં નાસભાગ મચી ગઈ હતી.જમાલપુરની ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને ત્યાં તેના પ્રેમીની અવરજવર વધતા લોકોએ વિરોધ કર્યો હતો, જેથી બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં એક જૂથે વાહનમાં આગચંપી કરતા માહોલમાં તંગદિલી સર્જાઈ હતી અને બંને જૂથે સામસામે પથ્થરમારો શરૂ કરી દેતાં નાસભાગ મચી ગઈ હતી.
ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો જમાલપુર ચાર રસ્તા ખાતે આવી ગયો હતો અને પથ્થરમારો કરી રહેલા લોકોને કાબૂમાં કરી પકડવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ ફાયરબ્રિગેડે વાહનમાં લાગેલી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું. જોકે તે વખતે પણ કેટલાક લોકો હાથમાં પાઇપો લઈ વાતાવરણ ડોહળાવી રહ્યા હતા.
પોલીસ સૂત્રોનાના જણાવ્યા અનુસાર, બે જૂથ વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. જોકે શનિવારે એક યુવક બાઇક લઈ ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને મળવા આવતાં મામલો ગરમાયો હતો, જેને કારણે બોલાચાલી થતાં બે જૂથ ઉગ્ર બન્યા હતા અને જોત જોતામાં પથ્થમારો થયો હતો.