અમદાવાદ : અમદાવાદ શહેર ફરી એક વખત અકસ્માત ઝોન બન્યું છે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં રોડ અકસ્માતમાં વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પોતાનું સ્વજન ગુમાવનાર પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. અકસ્માતના કેસો કોની બેદરકારી થી વધી રહેલા છે તે જાણવું જરૂરી બન્યું છે.
અમદાવાદમાં પરિવારે પોતાના એકના એક લાડકવાયા દીકરાને ગુમાવ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન તો કર્યું છતાં પણ રોડ અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોક ફેલાયો છે. આ પરિવારે પોતાના ઘડપણમાં સહારા એવા દીકરાને ગુમાવી દીધો છે. જો કે, ઘટના કઈક એવી છે કે, સોમવારે પરિમલ અંડરપાસમાં એક્ટિવા ચાલક નૈમિલ રાકેશકુમાર શાહને ટેમ્પા ચાલકએ ટક્કર મારતા નૈમિલ શાહ નીચે પટકાયો અને ટેમ્પો ચાલકે પાછળનું ટાયર નૈમિલના માથા પર ચઢાવી કચડી દીધુ હતું અને તેનું ઘટનાસ્થળે પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની બીજી ઘટનામાં જમાલપુરમાં રહેતા મોહસીન કુલતાવાલા મજુરી કામ કરે છે. મંગળવારે સવારના સમયે મોહસીનભાઈ ઘર પાસેની નવી મસ્જીદ પાસે ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે તેમને ટક્કર મારી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. એટલુ જ નહીં તેમની પાડોશમાં રહેતા 77 વર્ષીય અહેમદભાઈ નમાજ પઢવા ગયા હતા. તેઓને પણ કારે ટક્કર મારી હોવાથી તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અહેમદભાઈનું મોત નિપજ્યું હતુ. જ્યારે મોહસીનભાઈને ફેક્ચર થયું હતુ. જે મામલે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક કેતનકુમાર જીતુભાઈ મારવાડીની ધરપકડ કરી હતી.
અકસ્માતની ત્રીજી ઘટના ઓઢવમાં રહેતા 32 વર્ષીય ગંગાબેન પટણી ફ્રુટની લારી ધરાવી વેપાર કરે છે. ગત 26 તારીખે લારી લઈને ઓઢવ મહાકાળી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવેલી એએમટીએસ બસે લારી સાથે ગંગાબેનને ટક્કર મારી હતી. જેથી ગંગાબેન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અકસ્માતની ચોથી ઘટનામાં ગોમતીપુરમાં રહેતા 25 વર્ષીય રમેશભાઈ કટારા મજુરી કામ કરે છે. મંગળવારે રમેશભાઇ તેમના મિત્ર રાકેશ સાથે લોડીંગ રિક્ષા લઈને કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે હાથીજણ અદાણી સર્કલ પાસે અચાનક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેના કારણે રમેશભાઇ લોડીંગ રિક્ષા નિચે દબાઈ ગયા હતા. જ્યારે રાકેશ જમીન પર પટકાઈ પડતા ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ ગંભીર રીતે લોડીંગ રિક્ષા નીચે દબાયેલા રમેશને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો. જો કે સારવાર દરમિયાન રમેશભાઇનું મોત નિપજ્યું હતુ.
ત્યારે 48 કલાકમાં વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે. જોકે મૃતક નૈમિલના પિતા અને કાકાએ કહ્યું કે ટ્રાફિકના નિયમનું પાલન તો કર્યું છે પરંતુ એક અપીલ કરી છે કે હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમનું પાલન કરવું.