અમદાવાદ : અમદાવાદમાં શુક્રવારે સાંજના સમયે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. એક થી બે કલાકના ધોધમાર વરસાદને પગલે ભારે તારાજી સર્જી દીધી હતી. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો શહેરના મોટાભાગના વિસ્તારો જોધપુર, સેટેલાઈટ, નહેરુનગર, સહિતના વિસ્તારો થયા પાણી પાણી રોડ ઉપર ડિવાઈડર સુધી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યાં ત્યાં પાણી જ પાણી દેખાય રહ્યા હતા. તંત્રના આ દાવા કેટલા પોકળ છે તેની પોલ ખોલતા દૃશ્યો અહીં જોઈ શકાય છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 132 ફૂટ રિંગ રોડ પર બંને બાજુએ રોડ પર પાણી ભરાઈ જતા ડિવાઈડર પર પાણી ફરી વળ્યાં હતા. 132 ફૂટ રિંગ રોડ પર આવેલ અનેક ભોયરાની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.આ ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરી દેવાયા હતા.અમદાવાદનાં ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા.ટૂંકમાં એક લાઈનમાં જણાવીએ તો અમદાવાદની સોસાયટીઓ, રસ્તાઓ,અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ હતા.
સાંજના સમયે અનેક નાગરિકો પાણી ભરાવાને કારણે રસ્તામાં જ અટવાયા હતા. આ દરેકના ચહેરા પર વામણા તંત્રના અણઘડ પ્રિમોન્સુન કામગીરી સામે સ્પષ્ટ રોષ જોઈ શકાતો હતો. ઓફિસથી ઘરે જવા નીકળેલા અનેક લોકો રસ્તા વચ્ચે ક્યાંક ટ્રાફિકમાં ફસાયા તો ક્યાંક પાણીને કારણે વાહન બંધ પડી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.
AMC તંત્રની ડંફાસ વરસાદમાં ધોવાઈ ગઇ હતી. ચીનનું ગ્વાંગડોંગ જેવું બનવા માગતું અમદાવાદ પાણીમાં હાલ જાણે બેટમાં ફેરવાઇ ગયું હતું.જો કે વરસાદ બંધ થતા અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યા હતા.