અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે તેમના માનવીય અભિગમ સાથે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા બાળકોને બચાવી તેમની માટે સાનુકૂળ માહોલ મળી રહે તે માટે એક નવતર અભિગમ સાથે ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં મા ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો છે. રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તેમણે શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
તમને જણાવી દઇએ કે, નાના બાળકોમાંથી પોલીસનો ભય દૂર થાય તે હેતુથી અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ બનાવવામાં આવ્યો છે. જેનું અનાવરણ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થયુ હતુ. આ રૂમનો મુખ્ય હેતુ બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તે રહેશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના વિચારથી શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં આ રૂમ બનાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે ચાઈલ્ડ ફ્રેન્ડલી વિષય પર સ્પેશિયલ ટ્રેનિંગ સેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખાસ કરીને બાળકો માટે સુધારાત્મક અને વિકાસશીલ અભિગમ માટેના સાનુકૂળ વાતાવરણનું સર્જન થાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો તે બદલ સમગ્ર શહેર પોલીસને અભિનંદન. હર્ષભાઈ સંઘવીએ આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ વિશેષ આભાર માન્યો હતો.
પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ રૂમમાં નાના બાળકો માટેના રમકડા, અભ્યાસમાં ઉપયોગી થાય તેવા રમકડા અને સાથે સાથે દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આજના સમયમાં બાળકો ઉપર વધારેમાં વધારે ધ્યાન આપી શકાય તે હેતુથી આ રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમ બનાવ્યા બાદ દરેક બાળકને પોલીસ પ્રત્યે એક મિત્ર ભાવના જાગશે અને પોલીસનો મિત્ર બનશે. પોલીસ બાળકોની સમસ્યા, જરૂરિયાત શું છે, તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
બાળકો સાથે થતા ગુનાઓ અને ઘટનાઓ થી અસરને દૂર કરીને બાળકોને સલામત રાખવા અને તેમને ગુનાખોરીમાંથી બહાર લાવવા અભિયાન શરૂ કર્યું. પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમની જેમ આગામી સમયમાં બાળકોના ઉપર વધારે ધ્યાન આપી શકાય અને તેમનું કાઉન્સિલ કરવા માટે આગામી સમયમાં બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રૂમ બનાવશે.