અમદાવાદ : ચોમાસામાં વરસાદને લઈને અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ અને ભુવાઓનું સામ્રાજય ફેલાયું છે તેનો ભોગ વાહનચાલકો બની રહ્યા છે ત્યારે શનિવારે AMCએ ખોદેલા ઊંડા ખાડામાં એક ગાય પડી ગઇ ફસાઈ જવાની ઘટના સામે આવી છે.ગાયનું માત્ર મોઢું જ બહાર દેખાતું હતું. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ અને પશુ પ્રેમીઓ દ્વારા ગાયને JCB વડે બહાર કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં ઇસટીન કોમ્પ્લેક્ષ પાસે ડિવાઇડર નજીક વીજળીના થાંભલા નાખવા માટે AMC તંત્ર દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ખાડો યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે વરસાદમાં આ રોડ બેસી ગયો હતો. શનિવારે મોડી રાતના સમયે એક ગાય ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સીધી ખાડામાં ફસાઈ ગઈ હતી અને ઊંડા ખાડામાં ગરકાવ થઈ હતી. રાત્રે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ દોડી આવી હતી. ત્યારે પશુ રેસ્ક્યુ માટેની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગાયને બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. જોકે, ગાયને બહાર કાઢવા માટે JCBની મદદની જરૂર પડી હતી. જેથી સ્થાનિક લોકોએ ભેગા મળી JCB મશીન બોલાવ્યું હતું. ગાયને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આશરે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ અને પશુ પ્રેમીઓ દ્વારા ગાયને સહી સલામત ખાડામાંથી બહાર કાઢી દેવામાં આવી હતી.
અમદાવાદમાં AMC તંત્રની બેદરકારીના કારણે આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. AMC તંત્ર દ્વારા અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે.પરંતુ ત્યાં યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા વરસાદના કારણે રોડ બેસી ગયા છે. આવા રોડ બેસી જવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે બેરીકેડ કરી જાહેર ચેતવણીના બોર્ડ લગાવવાની વાત આવી હતી. પરંતુ ક્યાંય પણ જાહેર ચેતવણીના બોર્ડ જોવા મળતા નથી.