અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ટેક્સ રિકવરી કરવા માટે જાહેર હરાજીથી લઈ અને બીજો નોંધાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ટેલિકોમ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. પાંચ જેટલી ટેલિકોમ કંપનીઓનો વર્ષ 2022-23નો રૂ. 3 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. જેને લઇ હવે ટેક્સ વિભાગ દ્વારા ઇજનેર વિભાગને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ટેલિકોમ કંપનીઓ દ્વારા બાકી ટેક્સની ભરપાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કેબલ નાખવા માટે રોડ ખોદવાની પરમિશન આપવી નહીં.
શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલીલિંક પ્રા. લી. અને રિલાયન્સ કોમ્યુનિકેશન જેવી ટેલિકોમ કંપનીઓનો રૂ. 3.05 કરોડનો ટેક્સ બાકી છે. ટેલિકોમ કંપનીઓને બાકી ટેક્સ તાત્કાલિક ભરવા બાબતે સંબંધિત ટેક્સ ઝોનલ કચેરી દ્વારા વારંવાર જાણ કરવામાં આવી છે. તેમજ છેલ્લી ચેતવણીની નોટિસ પણ આપવામાં આવી છે. તેમ છતાં કંપનીઓ દ્વારા ટેક્સની ચૂક્વણી કરવામાં આવી નથી. જેથી હવે પછી આ બાબત અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે કે, જ્યાં સુધી પૂરેપૂરા ટેક્સની વસૂલાત ના થાય ત્યાં સુધી આ ટેલિકોમ કંપનીઓને રોડ ઓપનિંગ પરમિટ (RO પરમિટ) આપવામાં આવશે નહીં, આ ઉપરાંત જો બાકી ટેક્સની ભરપાઈ ન થાય તો કલમ-45, 46 મુજબ નોટિસ બજાવી સીલીંગ તથા હરાજી સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.