અમદાવાદ: સમગ્ર દેશમાં હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિર છે, જ્યાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. અમદાવાદમાં પણ હનુમાનજીના અનેક ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલા છે, જૈ પેકી નારણપુરામાં આવેલ કાંકરિયા હનુમાન મંદિર ઘણુ પ્રખ્યાત છે. આ 100 વર્ષ જુના મંદિરને બહુ ચમત્કારી માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે, અહીંના હનુમાનજી હાજરાહજૂર છે.
મંદિરના મુખ્ય પૂજારી જણાવે છે કે, 100 વર્ષ પહેલાં મંદિરની આજુબાજુ જંગલ હતું. દેરીની પાસે લીમડાના ઝાડની નીચે હનુમાનદાદા બિરાજમાન હતા, એક મહાત્મા દ્વારા હનુમાન દાદાની પૂજા કરવામાં આવી હતી અને મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરને કાંકરિયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, 100 વર્ષ પહેલા પથ્થરો ભેગા કરીને આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે આ મંદિર ખૂબ જ વિશાળ બનાવવામાં આવ્યું છે.
દર શનિવારે અહીં મોટી સંખ્યામાં લોકો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, અહીં હનુમાનજીના દર્શનથી તેમજ હનુમાન ચાલીસાના સ્મરણથી અહીં મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે.આ મંદિર ખાતે હનુમાન દાદા, ગણેશજી અને માતાજી બિરાજમાન છે, તેવું માનવામાં આવે છે. અત્યારે મંદિરની અંદર શિવલિંગ પણ છે સાથે શનિદેવ પણ બિરાજમાન છે. લોકો ખૂબ શ્રદ્ધાથી આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે.
દર શનિવારે મંદિર ખાતે ભજન મંડળી બોલાવવામાં આવે છે અને આનંદ ઉત્સવની જેમ શનિવાર મનાવવામાં આવે છે. ભક્તોનું કહેવું છે કે, મંદિરની અંદર આવતાની સાથે જ મનને શાંતિ મળે છે. હનુમાનજીની મૂર્તિ ખૂબ જ પ્રભાવશાળી અને તેજ ધરાવે છે. અમદાવાદના ખૂણે ખૂણેથી લોકો કાંકરિયા હનુમાન મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે.
આ મંદિર ખાતે અબોલ પ્રાણીઓની સેવા કરવામાં આવે છે. આ મંદિર ખાતે ગાયો પણ રાખવામાં આવી છે. દરરોજ સવારે લોકો ગાયને ઘાસ ખવડાવવા મંદિરમાં આવતા હોય છે. ગાયને ઘાસ ખવડાવીને ભક્તો ગૌ સેવાનો પણ લાભ લે છે.