અમદાવાદ : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાનાર તથ્ય પટેલ (Tathya Patel) સામે મોટી કાર્યવાહી હાથ ધરાઇ શકે છે. મળતી માહિતી મુજબ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઇ શકે છે. અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના હાલ જેલમાં છે. જો કે એક પછી એક તેના તથ્યો સામે આવી રહ્યા છે. એક પછી એક તથ્યની એવી હકીકત સામે આવી રહી છે, જેનાં પરથી એવુ પ્રસ્થાપિત થાય છે કે એને અકસ્માત કરવાની ટેવ હતી. અત્યાર સુધીમાં તેના એક પછી એક એમ કુલ ચાર અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેના કારણે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે તેના વિશેની વિગત માગી છે. વિગતો મળતા સુનાવણી કરીને લાયસન્સ રદ કરાશે. મહત્વનું છે કે તથ્યને હજુ ફેબ્રુઆરી 2022માં જ લાયસન્સ મળ્યું હતું.
તો ગઈકાલે જ તથ્ય પટેલ સામે અકસ્માત કેસમાં ત્રીજી FIR પણ નોંધાઈ છે. આ અકસ્માતની વિગતો મુજબ, સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે વધુ એક FIR નોંધાઈ છે. જે મુજબ, વાંસજડા ગામના પૂર્વ સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, 1લી જાન્યુઆરી 2023ના રોજ 3થી 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે ગામના ભાગોળે મેઈન રોડ પર સાણંદ તરફ જતા બળીયાદેવ મંદિરના આગળના સાઈડના પિલ્લરને નુકસાન કર્યું હતું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને રૂ.20,000નું નુકસાન કર્યું હતું. તાજેતરમાં સમાચાર પત્રોમાં વાંચતા જાણવા મળ્યું કે આ કાર ચાલક તથ્ય પટેલ હતો.