અમદાવાદ : આગામી એક વર્ષમાં AMTS અને BRTS માટે એક જ ટિકિટ અમલી બનાવવાનું તંત્રનું આયોજન છે. આ માટે AMTS અને BRTSના રૂટ પર સરવે પણ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં BRTS ના રૂટ પર ચાલતી AMTSની બસોની યાદી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોને બંને પ્રકારની બસોમાં બેસવા માટે અલગ-અલગ નહી એક જ ટિકિટ લેવી પડે તે માટેનું આયોજન પણ તૈયાર કરવામાં આવશે. જો કે નજીકના ભવિષ્યમાં આનું કોઈ આયોજન નથી, પરંતુ એએમસી આગામી વર્ષમાં એકશન પ્લાન બનાવી શકે છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પહેલા તબક્કાની વાત કરીએ તો હવે એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં મુસાફરી થાય તેવો અમલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં બંને બસ સર્વિસની ટીકિટ એક કરવામાં આવશે. જેથી કોઈ પણ મુસાફર એક જ ટીકિટ દ્વારા બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે. ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશ કરાશે. આ મુદ્દે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ અમદાવાદમાં બે પરિવહનની વ્યવસ્થામાં પ્રથમ તબક્કામાં બન્ને સંસ્થાઓના ભાડા સરખા કરી 5, 10, 15ના ગુણાંકમાં કર્યા છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ વધે એ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે AMTS અને BRTSના ભાડા સરખા કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં લોકો બન્ને વ્યવસ્થાનો લાભ એકસાથે લઈ શકે. આ ઉપરાંત ભવિષ્યમાં BRTS, AMTS અને મેટ્રોના રૂટ એકબીજા સાથે ઓવરલેપ ન થાય અને સારામાં સારી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.