અમદાવાદ : અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે AC હેલ્મેટ લાવવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસકર્મીઓને થોડીઘણી રાહત મળે તે હેતુથી અત્યારે પ્રાયોગિક ધોરણે હેલ્મેટ લાવવામાં આવ્યા છે.
પ્રાયોગિક ધોરણે ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં AC હેલ્મેટ ટ્રાફિક જવાનોને આપવામાં આપવામાં આવ્યા છે. અમદાવાદમાં પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ત્રણ પોઇન્ટ પર ત્રણ ટ્રાફિક જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે આ હેલ્મેટની ખાસિયત એ છે કે હેલ્મેટ AC જેવું કામ કરે છ, જે ગરમીની મોસમમાં ઉપરાંત જ્યારે તડકો વધારે હોય અથવા તો ગરમી વધારે હોય ત્યારે ટ્રાફિક જવાનો માટે ચાર રસ્તા પર ટ્રાફિકના સમયે ટ્રાફિક નિયમન દરમિયાન ઉપયોગી સાબિત થઈ શકે છે. આ AC હેલ્મેટ ટ્રાફિક પોલીસ કર્મીઓને ઠંડક આપશે જેથી તેમની ફરજ દરમિયાન કામગીરી કરવી પણ સરળ રહેશે.
અમદાવાદના ત્રણ ટ્રાફિક પોઈન્ટ નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર ફરજ બજાવત એક મહિલા કર્મચારી અને બે પુરુષ કર્મચારીઓને અત્યારે આ AC હેલ્મેટ અપાયા છે. આ ત્રણેય કર્મચારીઓના ફીડબેક બાદ ઉચ્ચ સ્તરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે, તેના અનુભવના આધારે વધુ AC હેલ્મેટ લાવવાના કે નહીં તે નક્કી કરાશે.