બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ મેળાનું આયોજન કરે છે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. અંબાજી દાંતા રોડ ખાતે આવેલા અગ્રવાલ સમાજ ભવનમાં રવિવારે સવારે જાહેર મીટીંગના આયોજનમાં ગુજરાતભરમાંથી સંઘોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભાદરવી પૂનમ સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી, મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પણ ઓનલાઇન આપવામાં આવશે. મેળામાં આવનાર સંઘના સીધા સામાન માટે માત્ર 1 જ વાહનને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે. અને પદયાત્રી સેવા સંઘ માટે 4 વાહન પાસ પણ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર https://ambajibhadarviregistration.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠા નોંધણી, મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાથી અંબાજી પગપાળા આવતા સંઘોને સહુલિયત મળશે.
બીજી તરફ પગપાળા અંબાજી આવતા યાત્રાળુઓ પોતાના ઘરે પરત આસાનીથી ફરી શકે તેને લઇ GSRTC દ્વારા દિવસ દરમ્યાન ટ્રીપો વધારવા તૈયારી કરાઈ છે. તો દર વર્ષ કરતા આ વર્ષે મંદિર ખુલ્લુ રહેવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે અને વધુ સમય મંદિર ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો બીજી તરફ બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને જોતા જો ભાદરવી પૂનમના મહામેળા સમયમાં વરસાદ થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ NDRF ની ટીમોને પણ તૈનાત રખાશે.
તો બીજી તરફ મેળા દરમ્યાન અંબાજીમાં ગુનો આચરતાં ખિસ્સાકાતરુઓ પર બાજનજર રાખવા CCTV કેમેરા, ડ્રોન કેમેરા તો પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. મેળા દરમ્યાન પરિવારથી વિખુટા પડેલા પરિવારજનો કે બાળકોને તુરંત શોધી શકાય તે માટે પોલીસ દ્વારા 100 નંબરની હેલ્પલાઇન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
રવિવારે સવારે યોજાયેલી અંબાજી ખાતેની જાહેર મીટીંગમાં ભાદરવી પૂનમીયા સેવા સંઘના યોગેશભાઈ પટેલ મહામંત્રીએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં માઇ ભક્તોએ ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું જોઈએ અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈ ભક્તો મોબાઈલ લઈને જાય અને ચાચર ચોકમાં ફોટા પાડે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરાય તો માઈ ભક્તોને યાદગીરી રહી શકે.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિધ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ડૉ.જીજ્ઞેશ ગામીત, અંબાજી પોલીસ ઇન્સપેક્ટર ધવલ પટેલ સહિત કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને ભાદરવી પૂનમ સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ યાગ્નિકભાઈ ઉપાધ્યાયે કરી હતી.