અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખાખીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પોલીસ કર્મીઓ ફરી એકવાર ખંડણી ખોર બન્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે 3 પોલીસ કર્માચારીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. મોડી રાત્રી દરમિયાન એરપોર્ટથી પરત ઘરે જઈ રહેલા પરિવાર પાસે 2 લાખ રુપિયાની માંગણી કરી હતી. અંતે 60 હજાર રુપિયા પડાવી લેતા આખરે હવે આ મામલે ખંડણીની ફરિયાદ નોંધાવાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા, તેમની પત્ની અને એક વર્ષના બાળકને લઈને તેઓ 25 ઓગસ્ટની રાતે અમદાવાદ એરપોર્ટથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ઉબેર ટેક્સીમાં ત્રણેય જતા હતા ત્યારે એસ.પી. રીંગ રોડ ઓગણજ ટોલ ટેક્સ સર્કલ તરફ જવાના રસ્તે એક પોલીસની ગાડી ઉભી હતી. જેની પાસે બે વ્યક્તિ ખાખી વર્ધીમાં અને એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં ઉભો હતો. સિવિલ ડ્રેસવાળા વ્યક્તિએ ગાડી ઉભી રખાવી અને મિલનભાઈને પૂછ્યું હતું કે, તમે આ સમયે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઈવ ચાલે છે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. જેથી તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવાની છે.
ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસ કર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 2 લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓ ફરિયાદી પાસેથી 40 હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
જો કે સમગ્ર ઘટના સામે આવતા અમદવાદ શહેરના સોલા પોલીસમાં 3 જવાન સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની જાણ કોઈને ના કરવા અંગે પણ ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સમગ્ર પ્રકરણને પગલે આરોપી ટ્રાફિક જવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોલામાં 3 દિવસમાં પોલીસ સામે બીજી ફરિયાદ નોંધાતા પોલીસની કાર્ય પદ્ધતિ પાર જ સવાલ ઉઠી રહ્યા છે.