અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરામાં શનિવારે રાતે મિર્ઝાપુરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી સાથે લૂંટની ઘટના બનતાની સાથે જ નારણપુરા પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ દોડતી થઈ હતી. નારણપુરામાં ધરતી વિકાસ સર્કલથી વિજયનગર સ્કૂલ તરફ જવાના માર્ગ પર છરો બતાવી વેપારીનું એક્ટિવા અને તેમાં રહેલા 7 લાખની લૂંટથી શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં રહેતા અને મિર્ઝાપુરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી શનિવારે રાત્રે દુકાનનું કામ પતાવીને પોતાના એક્ટિવા પર સામાન અને 7 લાખ રૂપિયા રોકડા લઈને પલ્લવ ચાર રસ્તા તરફ ઘરે જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નારણપુરામાં આવેલ ધરતી વિકાસ સર્કલથી વિજયનગર સ્કૂલ તરફ જઈ રહ્યાં હતા ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ વેપારીના એક્ટિવાની ચાવી ખેંચીને કાઢી લીધી હતી.સમગ્ર પરિસ્થિતિ જોઈને પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારીને ફોન કરી બોલાવ્યો. પરંતુ કર્મચારી આવે તે પહેલા જ એક્ટિવાની ચાવી ખેંચીને કાઢી લેનાર બે બાઇક સવાર પૈકી એક બાઇક ચાલક યુવક વિજયનગર ચાર રસ્તા તરફથી ચાલતો વેપારી પાસે આવ્યો હતો. તે યુવાનના હાથમાં છરો અને કવર હતુ. યુવાને લાલ ટી-શર્ટ અને ક્રિમ કલરનું પેન્ટ પહેર્યું હતુ. હિન્દીમાં વાત કરતા યુવકે વેપારીને છરો બતાવી એક્ટિવાથી દૂર જતુ રહેવા કહ્યું હતું.
વેપારી એક્ટિવા પાસેથી દૂર જતા જ તે યુવાન એક્ટિવામાં પડેલા 7 લાખ રૂપિયા અને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો. એક્ટિવા, ઓટો પાર્ટ્સ સહિત કુલ 7.21 લાખ રૂપિયાની લૂંટ થતા વેપારીએ પોલીસને જાણ કરી. બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તથા સમગ્ર મામલે વેપારીની ફરિયાદ નોંધીને આગળ વધુ તપાસ હાથ ધરી છે.