અમદાવાદ : અમદાવાદમાં પોલીસ દ્વારા જુગારધામ પર દરોડા પાડવાનો સીલસીલો યથાવત છે. ત્યારે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડેન્સી નામની હોટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ખાસ વાત એ છે કે આ હાઈ પ્રોફાઈલ રેડમાં નિવૃત્ત એડિશનલ ADGPનો પુત્ર પણ હોવાની વિગતો સામે આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, સેટેલાઈટમાં આવેલી હોટલ માન રેસીડેન્સીમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. અમદાવાદમાં સેટેલાઈટ પોલીસે હોટલ માન રેસિડેન્સી રેડ કરી હતી. આ દરમિયાન અહીં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. વિગતો મુજબ અહીં પૂર્વ ADGP હેમરાજ ગેહલોતનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત પણ જુગાર રમતાં ઝડપાયો હતો.
આ તરફ સેટેલાઇટ પોલીસે ADGP ડીજીપી હેમરાજ ગેહલોતના પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત સહિત 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની પાસેથી 77 હજાર રોકડ અને 11 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ટુ વ્હિલર-ફોર વ્હિલર મળી કુલ 13.39 લાખ કબ્જે કરી સેટેલાઇટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, આ અગાઉ પહેલા વસ્ત્રાપુરમાં પણ જુગારની મોટી રેડ પડી હતી. જેમાં ન્યૂયોર્ક ટાવરમાં જુગાર ધામ પર દરોડામાં સાણંદ APMCના ચેરમેન પણ જુગાર રમતા પકડાયા હતા. આ સાથે જ પોલીસે 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.