અમદાવાદ : ગુજરાતભરના પેટ્રોલ પંપ (Petrol Pump) સંચાલકોએ 15 તારીખે ‘No Purchase Day’ જાહેર કર્યો છે. પંપ સંચાલકોનું કમિશન છેલ્લા 6 વર્ષથી વધ્યું ન હોવાથી પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીથી નારાજ થયા છે અને 15 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ ન ખરીદી સાંકેતિક વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. લગભગ સાડા 4 હજાર જેટલા પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદે. તેથી એક જ દિવસમાં ઓઈલ કંપનીઓને રૂ.96 કરોડનો ફટકો પડશે.
પંપ સંચાલકોની માગ છે, કે છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતા 15 તારીખે ‘નો પર્ચેસ ડે’ ની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે અને બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ દબાણ કરાતું હોવાના એસોસિએશનના આક્ષેપ છે.
પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ 2016માં લેખિત બાંહેધરી આપી હતી, કે દર 6 મહિને જાન્યુઆરી અને જૂનમાં કમિશનમાં વધારો અપાશે, પરંતુ તેનો કોઇ અમલ ઓઇલ કંપનીઓ દ્વારા કરાયો નથી. 15મીએ ‘No Purchase Day’ પર પંપ સંચાલકોને સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો આગામી 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપોનો સમય ઘટાડી દેશે. તેમની એક જ માગ છે, કે કમિશનમાં વધારો કરવામાં આવે.
જો ગુજરાતના પેટ્રોપ પંપ સંચાલકોની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરાવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહિ મળે.