અમદાવાદ : અમદાવાદની HL કોલેજ નજીક નબીરાએ ધોળા દિવસે આતંક મચાવ્યાનું સામે આવ્યું છે. નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી 3 લારી ઉડાડી હતી તેમજ રસ્તા પર જતી એક બાળકી અને યુવકને અડફેટે લીધા હતા, આથી બન્નેને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે. સદનસીબે ભીડ ઓછી હોવાથી તથ્ય પટેલવાળી થતાં અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત અહેવાલ મુજબ આજે અમદાવાદની HL કોલેજ પાસે એક નબીરો પૂરપાટ ઝડપે કાર ચલાવતો આવતો હતો, જોકે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પર ઊભી રહેલી 3 લારી સાથે અથડાવી હતી તેમજ રસ્તા પર જતી બાળકી અને યુવકને પણ ફંગોળ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.આ રોડ યુવાઓથી ધમધમતો રહે છે તેમજ રોડ પર ખાણીપીણીની લારીઓ પણ ઊભી રહે છે, પરંતુ બનાવની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.સદનસીબે લોકોની ભીડ ઓછી હોવાથી તથ્ય પટેલે કરેલા અકસ્માત જેવો અકસ્માત થતાં રહી ગયો હતો.
અકસ્માત બાદ ટ્રાફિક-પોલીસે ક્રેન વડે અકસ્માત કરનારી ગાડીને ટોઈંગ કરી હતી. કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.