અમદાવાદ : આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈ AMC દ્વારા ગણેશ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના દિવસે અનેક લોકો સાબરમતી નદીના કિનારે અથવા તો ગમે ત્યાં રોડ ઉપર ગણેશની મૂર્તિ મૂકી દેતા હોય છે. જેથી, લોકોની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચે છે. જેને ધ્યાનમાં રાખી AMC તંત્ર દ્વારા મોટા નાના-મોટા કુલ 46 જેટલા વિસર્જનકુંડ બનાવવાનો નિર્ણય લીધો છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ગણેશ વિસર્જનકુંડ બનાવવામાં આવશે. કુલ છ કરોડ રૂપિયાના ખર્ચે આ વિસર્જનકુંડ બનાવાશે.
ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને AMC તંત્ર દ્વારા વિવિધ ઝોનમાં વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે. AMC દ્વારા નાની મોટી ક્રેન, ફાયરબ્રિગેડ, પીવાના પાણી, મોબાઈલ ટોયલેટ વાન અને મોટા ખાલી ડ્રમ વગેરેની સુવિધા કરવામાં આવશે. અમદાવાદ ફાયર બ્રિગેડનો અધિકારીઓ અને કર્મચારીઓનો કુલ 263નો સ્ટાફ હાજર રહેશે. ગણેશ વિસર્જનના દિવસે શાહીબાગ, જમાલપુર, પાલડી, ટાઉનહોલ, વાડજ અને તિલકબાગ ખાતે વિવિધ કમિટીઓના ચેરમેન વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવશે.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધાનું પણ AMC દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ વિસર્જનકુંડ ઉપર વિસર્જન બાદ સાફ સફાઈ અંગે પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. વિસર્જન સ્થળે AMC દ્વારા તમામ પ્રકારની કામગીરી કરી વિસર્જનમાં કોઈપણ પ્રકારની નાગરિકને તકલીફ પડશે નહીં.