અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ સ્પીડથી વાહન ચલાવનારા લોકોએ હવે દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હવે મહત્વના જંકશન પર સ્પીડ રડાર ગન (speed radar gun) લગાવવાનું શરૂ કર્યું છે જે વાહનોની સ્પીડ માપીને નિયત કરતાં વધુ સ્પીડે જતા વાહનચાલકોને તરત જ મર્યાદા ઓળંગી ચલણ જારી કરી શકશે. સાબરમતી રિવરફ્રન્ટના(Sabarmati Riverfront)ના પૂર્વ કિનારે સ્પીડ રડાર લગાવી તેની શરુઆત કરવામાં આવી છે.
એક ટ્રાફિક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ લોકો રાતના સમયે સ્ટંટ કરે છે અને ઓવરસ્પીડિંગને કારણે અકસ્માતો થાય છે. મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસક કર્મચારીઓને તૈનાત કરવા શક્ય હોતા નથી. સ્પીડ રડાર ગનનો ફાયદો એ છે કે કોઈ પણ કર્મચારી તરત જ ઇ-ચલણ જારી કરી શકે છે. જો કે દિવસના સૌથી વધારે લોકો ઓવરટેક કરતાં અને સ્પીડમાં વાહનો ચલાવે છે તે માટે અમે સ્પીડગનથી કેપ્ચર કરીએ છીએ જેનાં દ્રારાના રોજનાં 90 થી 100 કેસ પકડાય છે.
રૂપિયા ત્રણ લાખથી વધુના ખર્ચે વસાવાયેલા અધ્યતન મશીન એટલે કે સ્પીડ ગન સાથે અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરી જોવા મળી રહી છે કે જેમાં રિવરફ્રન્ટ પર નિયત કરાયેલી 70 કરતા વધુ ગતિ મર્યાદા હોય તેવા વાહન ચાલકોને મેમો મોકલવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ ના માર્ગ ઉપર અગાઉ ખૂબ વધારે ગતિ મર્યાદામાં લોકો ગાડી હંકારતા હતા, પરંતુ પાછલા દિવસમાં ટ્રાફિક પોલીસની કામગીરીને કારણે લોકોમાં ભય ઉભો થયો છે અને પરિણામે અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. અહીં ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે. જેના કારણે ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવે છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ગતિ મર્યાદા કરતા ખૂબ વધુ ઝડપથી વાહન હંકારવાના કારણે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રાજ્ય સરકારની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદ શહેરમાં ખૂબ વધુ ઝડપથી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે.