અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ઉચ્ચ કક્ષાના અધિકારીઓથી લઈને વર્ગ-4ના કર્મચારીઓ સુધીના તેના તમામ કર્મચારીઓ માટે સમાન ડ્રેસ કોડને મંજૂરી આપી છે. AMCની મટિરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી (MMPC)એ શનિવારે આ દરખાસ્ત માટે મંજૂરી મેળવી હતી.વર્ગ 1 ના પુરૂષ કર્મચારીઓ ગ્રે શર્ટ અને કાળા પેન્ટ પહેરશે, જ્યારે વર્ગ 3 ના કર્મચારીઓ નેવી બ્લુ પેન્ટ સાથે વાદળી શર્ટ પહેરશે.
AMC દ્વારા તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને કાપડ આપવામાં આવશે અને સરકારના નિયમ મુજબ સિલાઈના પૈસા પણ આપવામાં આવશે. આ હેતુસર આગામી દિવસોમાં AMC ટેન્ડર પ્રક્રિયા કરી અને કાપડ ખરીદીને તમામ અધિકારીઓ, કર્મચારીઓને આપવામાં આવશે. પુરૂષ કર્મચારીઓને શર્ટ, પેન્ટ અને મહિલા કર્મચારીઓને સાડી અને ડ્રેસનું કાપડ આપવામાં આવશે.
AMCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની એક આગવી ઓળખ બની રહે અને ફિલ્ડમાં પણ તેઓની ઓળખ ઊભી થાય તેને ધ્યાનમાં રાખી અને હવે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. 2.30 મીટર શર્ટ માટે અને 1.30 મીટર પેન્ટ માટે કાપડ આપવામાં આવશે. મહિલાઓ માટે 5 મીટરથી 10 મીટર સુધીમાં કાપડ અપાશે અને 2 જોડી ડ્રેસ આપવામા આવશે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા કરી ઉત્તમ પ્રકારનું કાપડ સેન્ટ્રલ સ્ટોર દ્વારા ખરીદી અને આપવામાં આવશે.
AMCની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને ડ્રેસ આપવા માટે કાપડ અને સિલાઈની ન્યૂનતમ કિંમત નક્કી કરી ECS સિસ્ટમ મારફતે પગારમાંથી આપવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મટીરીયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMCમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ડ્રેસ આપવા માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવશે.
પુરૂષ અધિકારીઓ અને કર્મચારીઓની વાત કરીએ તો, ક્લાસ 1-2 અધિકારીઓ ગ્રે કલરના શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં જોવા મળશે, તો કલાસ-3 અધિકારીઓ સ્કાય બ્લુ કલરના શર્ટ અને નેવી બ્લુ કલરના પેન્ટમાં જોવા મળશે. તો સફાઈ કર્મચારીઓે, ક્લીનર ડ્રાઇવર, સિક્યુરિટી ખાખી કલરના કપડામાં, તો પ્યુન, જમાદાર, હોસ્પિટલ વોર્ડ બોય સફેદ રંગના કપડામાં જોવા મળશે.
મહિલા કર્મચારીઓની વાત કરીએ તો, કલાસ 1-2 અધિકારીઓ સાડી, બ્લુ ડ્રેસ, સફેદ દુપટામાં તો, ક્લાસ-3 સાડી અને સ્કાય બ્લુ ડ્રેસમા જોવા મળશે. જ્યારે કામદાર મહિલાઓ બદામી સાડીમાં જોવા મળશે. ત્યારે સવાલ એ છે કે, કોર્પોરેશનમાં કામ કરતા ક્લાસ 1થી 4ના કર્મચારીઓ નક્કી કરાયેલા ડ્રેસ કોડ પોતાના ખર્ચે ખરીદવા માટે સક્ષમ નથી. તો ખાનગી તેમજ સરકારી શાળાઓમાં કોમન ડ્રેસ કોડ હોવા છતાં સ્કૂલ ડ્રેસ ખરીદવાની જવાબદારી વાલીઓની જ રહેતી હોય છે.
AMC કમિશનર એમ. થેન્નારસન અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર હતા. ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડ્રેસ કોડ નક્કી કરાયો હતો. હવે AMCમાં ડ્રેસ કોડનો અમલ કરવામાં આવશે.