અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગના ચોથા વર્ષના અંદાજે 14 જેટલા વિદ્યાર્થીઓની 28 જેટલી ઉતરવહીઓ ગુમ થવાની ઘટના બે મહિના પહેલા બની હતી. જે અંગે ગત 12 જુલાઇએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસમાં પોલીસને સની ચૌધરી અને અમિત સીંગ નામના વ્યક્તિઓની સંડોવણીની વિગતો જાણવા મળી હતી.આરોપી કાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે સની ચૌધરી અને અમિતસિંહ બન્ને નવાવાડજના રહેવાસી છે. બન્ને આરોપી વિદ્યાર્થી છે અને ત્રણ વર્ષમાં 60 વિદ્યાર્થી પાસ કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બન્ને પાસેથી એવું જાણવા મળ્યું છે કે ઉત્તરવહી માટે સ્ટ્રોંગ રૂમ છે, એનો પટાવાળો સંજય ડામોર હતો, તેની સાથે સેટિંગ કરી લગભગ 60 આસપાસ વિદ્યાર્થીઓ સાથે સેટિંગ કરી દરેક પાસેથી 20થી 50 હજાર રૂપિયા લઈ પાસ કરાવ્યા છે.
પોલીસ-તપાસમાં સની ચૌધરી અને અમિતસિંહ નામના આરોપીની સમગ્ર મામલે સંડોવણી સામે આવી હતી. આરોપી પરિણામ આવે એ જ દિવસે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં પાસ કરાવવા માટે સેટિંગ કરતા હતા. વિદ્યાર્થી પાસેથી એક પેપરદીઠ 50 હજાર રૂપિયા લેતા હતા. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પેપર કોરું રાખવા કહેતા હતા અને પેપરમાં છેલ્લા પેજ પર નિશાની કરવાનું કહેતા હતા.
નિશાની કરેલા પેપર મોડી રાતે યુનિવર્સિટીના કર્મચારી પાસેથી મેળવી લેતા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને મોડી રાતે RTO સર્કલ પાસે સની ચૌધરી બોલાવતો હતો. સની વિદ્યાર્થીઓને આંખે પટ્ટી બાંધીને પેપર લખવા લઈ જતો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઈલ સ્વિચ ઓફ કરાવી દેવામાં આવતા હતા. આ સમગ્ર કાંડમાં બોટની વિભાગમાં કામ કરતો કર્મચારી સંજય ડામોર સંડોવાયેલો હતો, જેની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. સંજય ડામોરની ધરપકડ કરવામાં આવતાં ફિઝિયોથેરાપીની 6 ઉત્તરવહી મળી આવી હતી.
સમગ્ર મામલે મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની પણ સંડોવણી છે, પરંતુ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડવા પોલીસ અન્ય રાજ્યમાં પણ પહોંચી હતી, પરંતુ આરોપી ભાગતા રહેતા હતા, જેથી પોલીસ પકડી શકતી નહોતી. આરોપી અમદાવાદ આવ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે.