અમદાવાદ : અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA) સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના ડોકટરોએ ફોર્મ ‘સી’ રજિસ્ટ્રેશનના રિન્યુઅલના તેમજ બીયુ પરમિશનના પ્રશ્નને લઈને આજે સવારે રેલી યોજી હતી. આશ્રમ રોડ પર વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. આ વિરોધપ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલોના 200થી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. ડોકટરોએ આજે વિરોધને પગલે સવારે 9થી 11 સુધીની OPD બંધ રાખી છે. જોકે સાંજની OPD રાબેતા મુજબ જ ચાલુ છે.
આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, બીયુ પરમિશન વગર આખા અમદાવાદમાં 50 ટકાથી વધુ બિલ્ડીંગ છે. ખાનગી હોસ્પિટલે હોસ્પિટલ કાર્યરત રાખવા દર વર્ષે અમદાવાદમાં સી ફોર્મ રીન્યુ કરાવવાનું હોય છે. 31 માર્ચ સુધીમાં સી ફોર્મ રિન્યુઅલ નહિ થાય તો, 500 હોસ્પિટલને સીલ વાગે તેવી સ્થિતિ છે. જો આ હોસ્પિટલસ બંધ થશે તો અમદાવાદમાં મેડિકલ સર્વિસને અસર થશે.
આ હોસ્પિટલઓ સાથે સંકળાયેલા અંદાજે 1500થી વધુ સ્ટાફની રોજગારીનો પ્રશ્ન ઉભો થશે. અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં બીયુનો કાયદો લાગુ નથી પડતો તો માત્ર અમદાવાદમાં જ કેમ હોસ્પિટલઓને હેરાન કરવામાં આવે છે.અમારી માંગ છે કે, આ સીફોર્મ રિન્યુઅલ પ્રોસેસ એક વર્ષ એક્સ્ટેન્શન કરવામાં આવે. ડોકટર્સ તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છે. આ રેલી સ્વરૂપે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર આપ્યું છે. અમને આશા છે કે, અમારા માટે કોઈ હકારાત્મક પ્રત્યુતર મળશે.