અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેમના હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાશે. અમિત શાહ 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
ટીવી અહેવાલો મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે.અમિત શાહ દ્વારા રૂ. 262.27 કરોડના પ્રોજેક્ટનાં લોકાર્પણ અને રૂ.910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે, જેમાં પાણી, ગટર અને રોડના પ્રોજેક્ટનાં કામોનો સમાવેશ કરાયો છે. તળાવોના ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ છે. ગોતા-ગોધાવી કેનાલને રિમોલ્ડ કરી ખુલ્લી ટનલનું બોક્સ બનાવી ડેવલપ કરાશે.
વિગતે જોઈએ તો 30 મી તારીખે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ઓકાફ ગામ તળાવનું ખાતમુહૂર્ત, થલતેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ભારત તળાવનું ખાતમુહૂર્ત, ગોતા વોર્ડમાં નવા તૈયાર થનાર ઓગણજ ગામ તળાવનું ખાતમુહૂર્ત, ચાંદલોડિયા વોર્ડમાં નવા તૈયાર થનાર જગતપુર ગામ તળાવનું ખાતમુહૂર્ત તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનના લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તમામ ખાતમુહૂર્તના કાર્યક્રમને લીલી ઝંડી આપશે.
આ ઉપરાંત ત્રાગડના માલાબાર કાઉન્ટી-3ની બાજુના શ્રી બહુચર સત્સંગ હોલની સામેના ખુલ્લા પ્લોટમાં શનિવારે સવારના સાડા દસ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મહિલાઓ માટેના પિન્ક ટોઇલેટનું તેમના હસ્તે ઈ-લોકાર્પણ કરાશે.