અમદાવાદ: શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં હત્યાની એક અજુગતી ઘટના સામે આવી છે. જ્યાં ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો છે. પરંતુ હત્યા કરવાનું પ્રાથમિક કારણ સાંભળતા કદાચ આપ પણ હચમચી જશો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વપ્નિલ પ્રજાપતિ અને હથિયારો વેદાંત બંને મિત્રો જ હતા. બંને મોડી રાત સુધી ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા હતા. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ પ્રકરણ મામલે તકરાર થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ કે, વેદાંતે સ્વપ્નિલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
યુવતી બાબતે બે મિત્રો વચ્ચે થયેલો ઝગડો હત્યામાં પરિણમ્યો હતો. પરંતું વેદાંતે ઠંડે કલેજે મિત્રની હત્યા કર્યા બાદ સહેજ પણ રંજ રાખ્યો ન હતો. મિત્રને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાને બદલે સીધો કારમાં મૂક્યો હતો. વેદાંત સ્વપ્નીલના મૃતદેહને લઈને પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં કારમાં આવેલ મૃતદેહને જોઈ સોલા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશનમાં બેસાડી મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.