અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર મોંઘી દાટ કાર દ્વારા અકસ્માત થવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં આ ઘટના બની છે. બોપલમાં મોડી રાત્રે BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાયો હતો. BRTS કોરિડોરમાં પૂરઝડપે જઈ રહેલી કાર ઘૂસી ગઇ હતી. જે પછી કારચાલક મોંઘીદાટ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે બોપલ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ફરાર કાર ચાલકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.
આ અંગે મળતા રિપોર્ટ મુજબ, વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે.શહેરના બોપલ વિસ્તારમાં આવેલા BRTS કોરિડોરમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે BRTS કોરિડોરની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે.આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કારનો નંબર HR 72B 4050 છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે.
અમદાવાદમાં BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાય નહીં તે માટે ખાનગી વાહનોને પ્રવેશ અપાતો નથી. તે છતાંય શહેરના અનેક BRTS કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક પુરપાટ ઝડપે દોડી રહ્યાં છે. આવા અકસ્માત બાદ તેની જવાબદારી કોણ લેશે એ સવાલ તો ત્યાંનો ત્યાંજ ઉભો રહે છે પરંતુ તંત્ર કોરિડોરમાંથી પસાર થતાં વાહનો સામે કોઈ એક્શન લેતું નથી. અનેક વાર વાહનો ઝડપથી નીકળી જવા માટે BRTS કોરિડોરમાં ઘુસી જતાં હોય છે. જેના લીધે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે.