અમદાવાદ : દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેના ઠીક બીજા દિવસે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે, વિક્રમ સંવત અનુસાર ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે, નવા વર્ષમાં કેટલાક લોકો દિવસની શરૂઆત ધાર્મિક દેવસ્થાનોમાં જઈને કરે છે તો કેટલાક પૂર્ણ્યનો કામ કરીને કરે છે. આપણા રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની ઉજવણી વૃદ્ધાઆશ્રમમાં જઈને કરી છે અને વડીલોના આશીર્વાદ લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે શહેરના જુના વાડજમાં રેડક્રોસ સોસાયટી સંચાલિત વૃદ્ધાઆશ્રમમાં વડીલો સાથે મળીને CM ભૂપેન્દ્ર પટેલે ઉજવણી કરી હતી. આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધાઆશ્રમમાં વડીલો સાથે ભોજન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી અને વડીલોના આશીર્વાદ લઇ નવા વર્ષની ઉજવણી કરી હતી.
આ અગાઉ CM ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગરમાં આવેલી પ્રસિદ્ધ પંચદેવ મંદિર અને અડાલજમાં આવેલા જાણીતા ત્રિમંદિર પહોંચ્યા હતા, અહીં CMએ વહેલી સવારે દર્શન-પૂજન કર્યા હતા તેમજ નાગરિકોની સુખાકારી તેમજ સમગ્ર રાજ્ય અને દેશની સર્વાંગી પ્રગતિ હેતુ મંગલ કામના કરી હતી.
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પણ લીધો હતો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગી વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી હતી.