અમદાવાદ : આગામી 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશના અનેક મંદિરોને આમંત્રણ અપાયુ છે. જેમા અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને પણ આમંત્રણ મળ્યુ છે.કેમ્પ હનુમાન મંદિરમાં અયોધ્યાથી અક્ષત કળશ આમંત્રણ સ્વરૂપે આવ્યા છે. જેમને દર્શનાર્થીઓ માટે રાખવામાં આવ્યા છે.
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી અનેક લોકો હાજર રહેવાના છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મહોત્સવનું આમંત્રણ તમામ લોકો સુધી પહોંચે તે માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને આમંત્રણ આપવામા આવશે. અયોધ્યાથી આમંત્રણ સ્વરૂપે આવેલા કળશ અત્યારે કેમ્પ હનુમના મંદિરમાં છે. કેમ્પ હનુમાન મંદિરમાં ચોખા ભરેલ કળશ લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો છે.
કેમ્પ હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, આ અક્ષત કળશ છે જેનું ખૂબ જ મહત્વ છે. અમદાવાદ જિલ્લામાં જે આમંત્રણ આવ્યું છે તે કેમ્પ હનુમાન મંદિર ખાતે છે. ભક્તો 5 જાન્યુઆરી સુધી દર્શન કરી શકશે ત્યારબાદ પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.