અમદાવાદ : 31st આવી રહી છે ત્યારે બુટલેગરો દારુની હેરાફેરી માટે અનેક નવી તરકીબો અપનાવી ખુલ્લેઆમ દારૂ મોકલાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે વખત પોલીસે ટેન્કરમાંથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. બે દિવસ અગાઉ બાવળા-બગોદરા હાઇવે પરથી લાખો રૂપિયાનો દારુ ઝડપાયો છે. ત્યારે પોલીસ હવે બુટલેગરોની નવી મોડેસ ઓપરેન્ડીથી ચોંકી ગઈ છે અને દારુનો જથ્થો અટકાવવા પોલીસ પણ નવા-નવા પેંતરા અજમાવતી જોવા મળી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC) ના અધિકારીઓને બાતમી મળી હતી કે એક સફેદ રંગનું ગેસનું ટેન્કર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી રાજકોટ તરફ જઇ રહ્યું છે. જેના આધારે શુક્રવારે રાતના સમયે એક્સપ્રેસ હાઇવેના રાજકોટ તરફના SP રીંગ રોડ પરથી ગેસના ટેન્કરમાં છુપાવેલો રૂપિયા 41 લાખની કિંમતની વિદેશી દારૂની 11268 જેટલી બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો હરિયાણાના રોહતકથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યો હતો.
પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું કે ભુપત મેઘવાલ ( રહે.સિણદરી ગામ, જી. બાલોતરા, રાજસ્થાન) અમદાવાદ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે સમયે તેને દેવુ થતા નાણાંની જરૂર હતી. જેથી તેણે હરિયાણામાં રહેતા મુકેશ નામના બુટલેગર સાથે સંપર્ક કર્યો હતો અને તેણે 15 દિવસ પહેલા રોહતક બોલાવી એક ટેન્કરમાં દારૂ ભરીને રાજકોટ મોકલ્યો હતો. જ્યાં તેણે દારૂની ડીલેવરી આપી હતી.
આ સમગ્ર મામલે વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા PCB ની ટીમે બાવળા-રાજકોટ હાઇવે પરથી એસિડના ટેન્કરમાંથી રૂપિયા 25 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જે દારૂનો જથ્થો પણ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યું હતું.