અમદાવાદ : અમદાવાદના એક વેપારીની સાથે થયેલી લૂંટની ઘટના ચોંકાવનારી છે. જો તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો બાજુ વાળા મુસાફર જેવા દેખાતા કોઈ વ્યક્તિ કાંઈ ખાવાનું આપે તો ચેતજો. અમદાવાદમાં એક ખાનગી બસમાં વેપારી લૂંટાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદથી સુરત જઈ રહેલા એક વેપારી સાથે લૂંટની ઘટના ઘટી છે. અશોકભાઈ ઝડફિયા નામના વેપારી તેના ભત્રીજાના લગ્નમાં હોવાથી સુરત જઈ રહ્યાં હતા અને CTM પાસેથી રામદેવ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં બેઠા હતા. આ દરમિયાન અશોકભાઈની બાજુમાં બેઠેલા આશેર 40 વર્ષીય યુવકે તેમને નશાયુક્ત બિસ્કિટ ખવડાવ્યાં હતા. બિસ્કિટ ખાધા બાદ અશોકભાઈ બેભાન થઇ ગયા હતા. લાગે જોઈને બિસ્કિટ ખવડાવનાર યુવક અશોકભાઈની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ 3 લાખ 40 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.
ઘટના બાદ બેભાન થયેલા અશોકભાઈને નિકોલની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ અશોકભાઈ ભાનમાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ ચલાવનાર અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ચોંકાવનારી વાત એ પણ છે કે ફરિયાદી લગ્ન પ્રસંગમાં જ્યાં હાજરી આપવા જવાના હતા ત્યાં પણ આ બનાવને પગલે પહોંચી નહીં શકતા પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.