અમદાવાદ: શહેર માટે સોમવાર ગોઝારો સાબિત થયો છે. અમદાવાદમાં એક દિવસમાં બે અકસ્માતમાં કુલ ત્રણ મોત નીપજ્યા છે. શહેરના એસ.પી રીંગ રોડ પર હેબતપુર પાસે પુરપાટ ઝડપે આવતા ડમ્પરે એકટીવા સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એકટીવા ચાલક 40 વર્ષીય મહિલા માલવિકા ગોસ્વામી તેમજ તેની 9 વર્ષની પુત્રી જાનવીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. આજે સવારે પણ વાસણા જી.બી.શાહ કોલેજ પાસે અન્ય એક અકસ્માત સર્જાયો હતો. જેમા વહેલી સવારે સ્વિપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા ત્યાં એક મહિલાનું મોત નીપજ્યુ હતું.
આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સોમવારે બપોરે હેબતપુર કટ પાસે એકટીવામાં માતા પુત્રી ભાડજ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટાટા મિક્ષ્ચર મશીન દ્વારા ટુવ્હિલરને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં 40 વર્ષની માતા અને સાત વર્ષની પુત્રીનું મોત નીપજ્યું છે. જોકે ઘટના બાદ મિક્ષચર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથી ધરી છે. આ માતા પુત્રી ક્રિષ્ણા રો હાઉસ ભાડજના રહેવાસી છે.
આ અગાઉ આજે સોમવાર સવારે શહેરમાં અન્ય એક અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યુ હતુ. વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફૂટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં સૂતા હતા. ત્યારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ AMC ના ડમ્પરના ડ્રાયવરે સૂતેલા લોકો પર ચઢાવી દીધુ હતુ.આમ અમદાવાદ શહેર માટે સોમવાર ગોઝારો સાબિત થયો છે.
મહત્વનું છે કે શહેરમાં ડમ્પર તેમજ મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. બેફામ રીતે ચાલતા મોટા વાહનો અકસ્માત સર્જે છે, તેમાં ઘણા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. તો અમુકના મૃત્યુ પણ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે પોલીસે આવા મોટા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવી જોઈએ અને જે નિયમો છે, તેનો કડક રીતે પાલન થાય તેવી પણ લોક માંગણી ઉઠી રહી છે.