ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ગઈકાલે રાજ્યમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ મામલે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે, કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને કોઈ અસર થશે નહીં. કોરોનાના નવા વેરિયંટથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ સામે આવ્યા છે.
ઋષિકેશ પટેલે કોરોના વિશે જણાવ્યું કે, ભારતમાં હાલ 2300 જેટલા કોરોનાના કેસ છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જોકે, આ મામલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફક્ત સાવચેત રહેવું અનિવાર્ય છે કારણ કે 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. હાલના વેરિયન્ટથી મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું છે.ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે માત્ર માત્રે સાવધાની રાખવાની વાત છે, 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યાં છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે, સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે.
આ સિવાય તેમણે કહ્યું કે, MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. આજે 1 લાખ 56 હજાર કરોડના 147 MOU થયા છે.કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. સાથે જ ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. સાથે જ તેમણે વાયબ્રન્ટ સમિટને લઈને અપડેટ આપતા જણાવ્યું કે, 25 દેશો સમિટમાં જોડાશે. 72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે.