અમદાવાદ : ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. એસટી 3 કરોડના ખર્ચે આ સંપૂર્ણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા 63 પેસેન્જરની હશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસનું ઉદઘાટન કરવાનું આયોજન છે.
એસટી નિગમ પ્રદૂષણ ઘટાડવા ઓછો કાર્બન નીકળે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી બસો વસાવશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી બસોના કાફલામાં બે ઈલેક્ટ્રિક બસનો ઉમેરો કરાશે. અંદાજે ત્રણ દાયકા અગાઉ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ દોડતી હતી. પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે ડબલ ડેકર બસ સેવા શરૂ કરાશે. આ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં 63 મુસાફરો બેસવાની ક્ષમતા અને બસ એક વખત ચાર્જિંગ કર્યા બાદ 250 કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની કિંમત અંદાજે ત્રણેક કરોડની રહેશે તેમ એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.
ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ સિવિલ હોસ્પિટલ, એસ ટી ડેપો ગીતા મંદિર, સરખેજ હાઇવે પર દોડશે. ઈલેક્ટ્રિક બસ ડબલ ડેકરની હોવાથી માર્ગ ઉપર અડચણ રૂપ વૃક્ષો કે વાયરિંગ આવતા ન હોય તેવા રૂટ પસંદ કરવામાં આવશે તેવી માહિતી એસટી નિગમના સૂત્રોએ આપી હતી.
તમને જણાવી દઈએ કે ત્રણ દાયકા અગાઉ ડબલ ડેકર બસ દોડતી હતી. પરંતુ વધુ પડતાં ઉપયોગને કારણે બસ ખોટકાતી જતાં અંતે બંધ કરવામાં આવી હતી. એ પછી નવી ડબલ ડેકર બસ વસાવાઈ ન હતી. ગાંધીનગર મહાપાલિકાએ અમદાવાદને કનેક્ટ કરતી બે ઈલેક્ટ્રિક બસ શરૂ કરી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં હવે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનું નક્કી કરાયું છે.