અમદાવાદ : વર્ષ 2023 હવે વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે થર્ટી ફસ્ટ એટલે પાર્ટી, ડાન્સ, મસ્તી અને ધમાલ કરવાનો અવસર…પરંતુ આ વખતે થર્ટી ફસ્ટની પાર્ટી કરતા પહેલાં ચેતી જજો…કેમ આ પાર્ટી પર પોલીસનો છે સઘન પહેરો…જો નિયમોને તોડ્યા તો કદાચ તમારા નવા વર્ષની ઉજવણી જેલમાં થઈ શકે છે…તો આવો જોઈએ થર્ટી ફસ્ટ પર દારૂપાર્ટીને રોકવા માટે કેવો છે પોલીસનો એક્શન પ્લાન….
પ્રાપ્ત જાણકારી મુજબ શહેરમાં 25 થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. શહેરની તમામ પોલીસને 31મી ડિસેમ્બરની સાંજથી મોડી રાતના ત્રણ વાગ્યા સુધી બંદોબસ્તમાં રખાશે. આ સાથે કાંકરિયા કાનવલમાં ત્રણ શિફ્ટમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવવામા આવ્યો છે. આ સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે 1 જેસીપી, 2 ડીસીપી, 1 એસીપી, 2 પીઆઇ, 2 પીએસઆઇ સહિત 350 ટ્રાફિક જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાતના 11:55 થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકશે. જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.આ વર્ષે તો શહેરમાં નવા વર્ષની ઉજવણી તેમ જ કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ હોવાથી પોલીસ તંત્ર એલર્ટ બન્યુ છે અને નવા વર્ષની ઉજવણીમાં કોઈ મોટી ઘટના ન બને તે માટે સીજીરોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે પર શી ટીમ અને પોલીસ રાત્રીના સમયે તૈનાત રહેશે.
31 ડિસેમ્બર પહેલા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ દારૂને લઈને ડ્રાઈવ શરૂ કરી છે અમદાવાદ શહેરમા 24 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ડ્રાઇવનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં પોલીસે જુદા જુદા વિસ્તારમા ચેકિંગ કરીને દારુ પી ને ડ્રાઈવ કરનારા 39 લોકોને પકડીને તેમની સામે ગુનો નોંધ્યો છે.