અમદાવાદ : અમદાવાદ શહેરની સોલા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. 500થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી પોલીસકર્મીઓએ ચોરને પકડવા માટે મધ્યપ્રદેશ સુધી જઈને કેસ ઉકેલી નાખ્યો છે. ચોરને પકડવા કોઈ પોલીસવાળાએ શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા વેચવા પડ્યા અને આખરે વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં સન ડિવાઇન-3 માં એડવોકેટ ગુલાબજી માધુજી ઠાકોર (ઉં.56) પરિવારના સભ્યો સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે વતન ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી ચોરીની થવાની ઘટના સામે આવી હતી. તસ્કરે એડવોકેટ ગુલાબજીના ઘરેથી તેમના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી રૂ.91,800 ના મત્તાની ચોરી કરી હતી. આ અંગે ગુલાબજીએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં વેશપલટો કરીને ડુંગળી–બટાકાની લારી અને ફુગ્ગા વેચવાવાળા ફેરિયાના સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતા અને આઠ કલાક બાદ રીઢા ઘરફોડ ચોર અશોકને ઝડપી લીધો હતો.
શરૂઆતમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી નોંધાતાની સાથે જ પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, ચોર ચોરી કરવા માટે ગોલ્ડન કલરનું સ્કૂટર લઈને આવ્યો હતો. બસ ત્યાર બાદ પોલીસે સ્કૂટરના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી અને તેઓ જગતપુરમાં રહેતા અને પાણીપુરીની લારી ધરાવતા માલિક સુધી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર બાબતે વધુ પૂછપરછ હાથ ધરાતા ચોર અંગે વધુ માહિતી જાણવા મળી હતી. જેના અનુસાર ફોટોમાં દેખાતો યુવાન મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભદરોલી ગામમાં રહેતો તેનો મિત્ર અશોક નરસિંહ શર્મા (ઉં.30) હતો અને તે બે દિવસ તેના ઘરે રહેવા આવ્યો હતો ત્યારે સ્કૂટર લઈને ફરતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ ચોર વિશે જરૂરી બધી માહિતી એકત્ર કરી અશોક જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તાર ખૂબ ગીચ અને વસ્તી વાળો હોવાથી પોલીસે તેને પકડવા માટે યુક્તિ અજમાવી હતી અને પોલીસ વેશપલટો કરીને ડુંગળી–બટાકાની લારી અને ફુગ્ગા વેચવાવાળા ફેરિયાના સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતા અને આઠ કલાક બાદ અશોકને ઝડપી લીધો હતો.