અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ નજીક જાહેર રોડ પર અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ કિસ્સામાં હાલ ચાંદખેડા પોલીસે ફાયરીંગ કરનાર અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચાંદખેડા તપોવન સર્કલ ખાતે રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે જ પાન પાર્લર ચલાવે છે. રાત્રે 10:00 વાગ્યાના સુમારે હરિસિંહ ચંપાવત નામનો વ્યક્તિ એક સફેદ કલરની સિયાઝ કાર લઈ પાન પાર્લર પર આવ્યો હતો. જે બાદ તે પાન પાર્લર પર ઉભેલા ગ્રાહકોને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.આ દરમિયાન ધર્મેશભાઈના કાકા નવઘણ ભાઈએ હરિસિંહને ગાળો બોલવાની ના પાડતાં હરિસિંહે નવઘણભાઈને ધક્કો મારી પાડી દીધા હતા. જેથી આસપાસના લોકો ભેગા થતાં હરિસિંહ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં હરિસિંહ ફરીથી ગાડી લઈને આવ્યો અને અન્ય યુવક તેની સાથે થાર ગાડી લઈને ત્યાં જ પરત આવ્યા હતા. ગાડીમાંથી નીચે ઉતરતા જ હરિસિંહે ધર્મેશભાઈ પર કોઈ પણ વાતચીત કર્યા વિના રિવોલ્વર વડે આડેધડ ફાયરિંગ કરવા લાગ્યો હતો. ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
હાલ ચાંદખેડા પોલીસે ફાયરીંગ કરનાર અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી તરફ થાર કારમાં આવેલો અજાણ્યો શખ્સ કોણ છે ? અને જે હથિયાર વડે ફાયરિંગ કર્યું તે પરવાનાવાળું હથિયાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.