અમદાવાદ : ઉત્તરાયણ પર્વે લોકો સાથે અબોલ પક્ષી સૌથી વધુ ઘાયલ થતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2024 હેઠળ પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા વાસણા ખાતે જી. બી. શાહ કોલેજ પાસે રેસ્ક્યુ સેન્ટર કેમ્પનું વિશેષ આયોજન કરાયું છે.
આ પ્રસંગે કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી ઝંખનાબેન શાહ દ્વારા જણાવાયું કે જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણાના આચાર્ય ડો. વસંતભાઈ જોષી એ સંસ્થાના વાસણા કેમ્પની શુભેચ્છા મુલાકાત કરીને સંસ્થામાં નવા જોડાયેલ યુવાનોને પ્રોત્સાહિત કર્યા અને આ સંસ્થા પ્રગતિ કરે તેમાં અમારા સહકાર સાથેની શુભેચ્છા પાઠવી હતી.
આ અગાઉ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતા પતંગોની ચાઈનીઝ દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓના રક્ષણ માટે વિધાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ અને અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાસણામાં “મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.