અમદાવાદ : અમદાવાદમાં ધારણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ મહત્વના અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. શહેરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મૂઝવતા સવાલોને લઈ અમદાવાદ DEO દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જે પર કોલ કરી સતાવતા સવાલોનો ઉકેલ મેળવી શકાશે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સારથી હેલ્પલાઇન નંબર પર બોર્ડ પરીક્ષાને લઇ મુંજવતા પ્રશ્નો પૂછી શકશે. નિષ્ણાત ટીમ તેમના તમામ પ્રશ્નોના જવાબ આપશે. વિદ્યાર્થીઓ સારથી હેલ્પ લાઈનના આ વોટ્સએપ નંબર પર 99099 22648 સંપર્ક કરી શકશે. સારથી હેલ્પલાઈન પર વિષય નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિકોની ટીમ વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના જવાબ આપશે. આ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ બોર્ડના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓએ જરૂર પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં Save કરવો.
સારથી હેલ્પલાઈન ઉપરાંત જીવન આસ્થાના 1800-233-5500 નંબર પર પણ બોર્ડના વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરી શકે છે. ફક્ત વિદ્યાર્થીઓ નહી પરંતુ વાલીઓ પણ બોર્ડના પરીક્ષાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે સારથી હેલ્પલાઈનની મદદ લઈ શકે છે. આ સિવાય બોર્ડ તરફથી પરીક્ષાને ધ્યાનમાં રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે.
ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા 11 માર્ચ, 2024 ના રોજ શરૂ થશે અને 26 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થશે. બોર્ડની પરીક્ષામાં ધોરણ-10નો સમય સવારે 10 થી બપોરે 1:15 સુધીનો છે. જ્યારે ધોરણ-12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્યપ્રવાહનો પરીક્ષાનો સમય બપોર પછીનો રહેશે. પરીક્ષાર્થીઓએ વધુ માહિતી માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ની મુલાકાત લેવી. જેમાં GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરવાથી માહિતી ઉપલબ્ધ થશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની 2024ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. માર્ચમાં આ પરીક્ષાઓ પૂર્ણ થશે. CBSE દ્વારા જાહેર કરાયેલ ડેટશીટ મુજબ, પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. બીજી પરીક્ષા સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાઓ 56 દિવસ સુધી ચાલશે.