અમદાવાદ : અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. આજના દિવસે અનેક લોકો સેવાના ભાગરૂપે ખાણી-પીણીની વસ્તુઓ ફ્રીમાં આપી રહ્યા છે. ત્યારે કલોલ વિસ્તારમાં આવેલી PSM સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર તમામ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પાવન અવસરે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ કલોલ દ્વારા (જી.ગાંધીનગર) સંસ્થા દ્વારા સંચાલિક PSM મલ્ટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સ્વામીનારાયમ મેડિકલ કોલેજ દ્વારા એક અનુકરણીય પહેલ કરવામાં આવી છે. જે અંતગર્ત હોસ્પિટલ ખાતે સળંગ 10 દિવસ સુધી એટલે કે તારીખ 22 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2024 સુધી સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવશે.
PSM હોસ્પિટલ દ્વારા આપવામાં આવનાર તમામ સારવાર અમદાવાદના ખ્યાતનામ તથા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવશે. જેમાં યુરોલોજિસ્ટ, ન્યુરો સર્જન, ઓર્થોપેડિક, ગાયનેક, પીડીયાટ્રીશ્યન, આંખ, નાક-કાન-ગળા, ફીઝીશીયન, ડેન્ટલ, માનસિક રોગો, ફિઝીયોથેરાપી વગેરે જેવી તમામ મલ્ટી સ્પેશિયાલિટીનો સમાવેશ થશે. આ તમામ સેવાઓ 22થી 31 જાન્યુઆરી દરમિયાન દર્દીઓને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમદાવાદ-મહેસાણા હાઇવે સ્થિત સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કેમ્પસમાં 30 એકર વિસ્તારમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત વિશ્વની એકમાત્ર સ્વામિનારાયણ યુનિવર્સિટી કાર્યરત છે. જેમાં મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથીક, નર્સિંગ, ફિજીયોથેરાપી, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ વગેર જેવી કોલેજો દ્વારા 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ પુર પાડવામાં આવે છે. સંસ્થાના વડા દ્વારા દર્દીઓને આ દસ દિવસ દરમિયાન મફત સારવાર લેવા પણ અપીલ કરાઇ છે.